Food Ni Vaat : Food Magazine – Food Business News

Natural-Honey Food ni Vaat

Processed Honey and Raw Natural Honey

Let’s know…. the difference between processed honey and raw natural honey

મધ : દરેક ચમકતી વસ્તુ સુવર્ણ નથી હોતી… ચાલો જાણીયે….. પ્રોસેસ્ડ મધ અને રો નેચરલ મધ વચ્ચેનો તફાવત

વર્ષોથી મધ એક સુપર ફુડ તરીકે જાણીતું છે. મધમાખી હજારો ફુલોના પરાગમાંથી રસ લાવીને એક જટિલ પ્રક્રિયાના અંતે શુદ્ધ મધ તૈયાર કરે છે. મધ તૈયાર કરીને માખી પોતાના ખોરાક માટે મધનો ઉપયોગ કર્યા પછી વધારાનું મધ ષટ્કોણ આકારના છિદ્રો વાળા મધપૂડામાં સ્ટોર કરે છે. મનુષ્ય ઉચિત માત્રામાં એ મધપૂડામાં એકત્ર થયેલું પૂર્ણ પરિપક્વ મધ પોતાના ઉપયોગ માટે લે તો માખી ફરી વખત રસ લાવીને એટલું મધ નવું બનાવીને જે તે માત્રાપુર્તિ કરી લેતી હોય છે. એ પ્રકાર નું માખીનું કુદરતી જીવનચક્ર હોય છે.

દરેક ધર્મોના પ્રાચીન શાસ્ત્રોમાં ક્યાંકને ક્યાંક મધ નું મહત્વ દર્શાવવામાં આવેલું છે. પ્રાચીન આયુર્વેદના ગ્રંથોમાં મધને “વાહક” કહેવામાં આવ્યું છે. બીજા કોઈ પણ પ્રકારના ખોરાક લીધા પછી પાચન થયા પર્યન્ત રસ સ્વરૂપે લોહીમાં ભળે છે પરંતુ મધ જીભ ઉપર રાખતાની સાથે  જ શરીરમાં ભળવાની તાકાત ધરાવે છે. એટલે જ આયુર્વેદમાં મોટા ભાગની દવાઓ મધ સાથે ભેળવીને ચાટણ બનાવીને લેવાનું વિધાન છે.શુદ્ધ મધ ક્યારેય બગડતું નથી. જેટલું જૂનું એટલું વધુ આરોગ્યપ્રદ હોય છે.સમય જતા મધ જૂનું થાય એમ ઘાટું થાય છે, કાળું પડે છે અથવા ક્રિષ્ટલાઇઝ્ડ પણ થઇ શકે છે છતાં પણ એ મધ ખાવાયોગ્ય જ રહે છે.

ભારતીય માર્કેટમાં હાલ ૬૦૦૦ થી વધારે બ્રાન્ડના મધ મળે છે. જેમાંથી ૯૦ ટકા બ્રાન્ડ કોમર્શિયલ હેતુથી પ્રોસેસડ મધનું વેચાણ કરે છે. મધને પ્રોસેસ કરતી વખતે  ઘણા બધા કુદરતી તત્વો નાશ પામતા હોય છે. લોક જાગૃતિના અભાવે લોકો નોન પ્રોસેસડ રો મધથી દૂર રહેતા હોય છે.

ચાલો આજે બજારમાં મળતાં પ્રોસેસ્ડ મધ અને રો મધ વચ્ચેનો તફાવત જાણીયે :-

હાલ ભારતીય બજારોમાં ૨૦૦ રૂપિયા કિલો થી લઈને ૧૦૦૦ રૂપિયે કિલો સુધીના અનેક મધ ઉપલબ્ધ છે. સુપરમાર્કેટમાં તો અમુક લોકો એક સાથે એક બોટલ ફ્રી આપીને પણ ગ્રાહકોને આકર્ષિત કરી લેતા હોય છે.

શું ક્યારેય વિચાર કર્યો કે માર્કેટમાં જે ટનબંધ મધ વેચાય છે એટલું ઉત્પાદન ક્યાં થતું હશે ? આપણે ભારતીય માનસિકતા મુજબ જયારે કોઈ પણ ફૂડ પ્રોડક્ટ લેવા માટે માર્કેટમાં જઇએ તો સારું પેકીંગ અને સસ્તું જોઈને ખરીદતા હોઈએ છીએ. મોટેભાગે ફૂડ પ્રોડક્ટના લેબલ પર લખવામાં આવતી વિગતો ચકાશીને ક્વોલિટી પ્રોડક્ટની ગુણવત્તા, તેમાં રહેલા તત્વો… આવું બધું જોવાનો કે વિચારવાનો સમય જ ક્યાં હોય છે.

એટલે જ ભારતમાં વેચાતા મધમાં ૯૦ ટકા હિસ્સો પ્રોસેસડ મધનો છે. મધ પૂડામાંથી નીકળે ત્યારથી બોટલ માં પેક થાય ત્યાં સુધીમાં  લીક્વિફિકેશન, ફિલ્ટરેશન, મૉઇસ્ચર રીડકશન, પેસ્ટચ્યુરાઇઝેશન જેવી પ્રોસેસમાંથી પસાર કરવામાં આવતું હોય છે. આટલી પ્રોસેસમાં પસાર કરેલ મધના કુદરતી ગુણધર્મો મોટેભાગે બદલાઇ જતા હોય છે. અમુક કમ્પનીઓ મધને પ્રોસેસ કર્યા બાદ હરીફાઈમાં ટકી રહેવા માટે અલગ અલગ પ્રકારના હાઈ ફ્રૂકટોઝ સીરપ ભેળવીને સસ્તું કરીને મધના નામથી વેંચતા હોય છે. આયુર્વેદના નિયમ અનુસાર મધને ક્યારેય હાઈ ટેમ્પરેચર પર ગરમ ન કરવું જોઈએ પરંતુ કંપનીઓ મધને પ્રોસેસ કરતી વખતે ૧૦૦ ડિગ્રી કે તેથી વધુ તાપમાન પર ગરમ કરતી હોય છે જેનાથી મધ માં ચમક આવે છે તથા મધનો ક્રિસ્ટલ બનવાનો કુદરતી ગુણ નાશ પામે છે અને આખું વર્ષ મધ એક જેવા કલર નું જ રહે છે. પરંતુ આ પ્રકારનું મધ માત્ર એક મીઠું પ્રવાહી બની ને જ રહી જાય છે.

હવે આપણે કુદરતી રો મધ વિષે વાત કરીએ :-

સૌ પ્રથમ તો ભારત એક એવો દેશ છે જ્યાં ગરમી, ઠંડી, વરસાદ આ પ્રકાર નું વૈવિધ્ય સભર વાતાવરણ જોવા મળે છે. શુષ્ક પર્વતીય પ્રદેશ, નદીતટ ના મેદાનો, ઘોર જંગલો, બરફ આચ્છાદિત ઠંડા પ્રદેશો આ બધા અલગ અલગ વિસ્તાર મુજબ મધ ના પણ અલગ અલગ પ્રકારો જોવા મળે છે. ભારતમાં જંગલનું મધ, તુલસી વનનું મધ, કડવા લીમડા નું મધ, શીશમ નું મધ, બોરડી નું મધ, બાવળનું મધ, અજમાનું મધ, સરગવાનું મધ, લિચીના ઝાડનું મધ, જાંબુના ઝાડનું મધ, ધાણા નું મધ, દક્ષિણ ભારતમાં કોફીનું મધ, તજ નું મધ એમ ૩૦ થી વધારે પ્રકારના મધ એકઠા કરવામાં આવે છે. દરેક મધના ગુણધર્મો અલગ અલગ હોય છે. રો મધ એટલે કોઈ પણ પ્રકારની પ્રોસેસ કર્યા વિના ત્રણ વખત કપડાં થી ગાળીને પેક કરવામાં આવતું નોનપ્રોસેસ્ડ મધ. રો મધ તૈયાર કરતી વખતે માખી જે ફૂલ ના રસમાંથી મધ તૈયાર કરે એના ફૂલના ગુણ પણ મધમાં જોવા મળે છે. અલગ અલગ રોગની દવા તરીકે આ પ્રકાર ના અલગ અલગ ફૂલોના મધ ખુબ ઉપયોગી છે. મધમાખી જયારે મધ બનાવવા માટે ફૂલ પર બેસે ત્યારે એના પગમાં એક પદાર્થ ચોંટીને સાથે આવે છે જે બી-પોલેન તરીકે ઓળખાય છે. જે અત્યંત સ્વાસ્થ્યપ્રદ અને પ્રોટીન નો નેચરલ સોર્ષ છે. પ્રોસેસ કર્યા વગરના મધમાં પોલેન કાઉન્ટ પણ જોવા મળે છે. હોશિયાર મધપાલક ૪૦ દિવસે પૂર્ણ પરિપક્વ મધ જ એકઠું કરતા હોય છે જેમાં મોઈશ્ચર નું પ્રમાણ ઓછું હોય છે તથા જે તે ઝાડ કે ફૂલના ગુણધર્મો પુરેપુરા મધમાં જળવાઈ રહે છે. આ પ્રોસેસ થી મધ કાઢવામાં આવે તો કોન્ટીટી ખુબ ઓછી મળતી હોવાથી માર્કેટ માં આ પ્રકારના નેચરલ મધ ૭૦૦ થી ૮૦૦ રૂપિયા પ્રતીકિલો મળતું હોય છે. જે બજારના કોમર્શિયલ મધ કરતા મોંઘુ પણ સ્વાસ્થ્યપ્રદ હોય છે. ઘણી વખત શિયાળા માં ઠંડી હવા લાગવાથી કે ફ્રીઝમાં મૂકી દેવાથી રો મધ જામી જતું હોય છે. મધ, નારિયેળ તેલ અને ઘી આ ત્રણ વસ્તુ ઠંડકમાં જામી જાય અને ગરમી લાગવા થી લીકવિડ થઇ જાય છે. પરંતુ સાચી સમજના અભાવે લોકો ખરાબ થયેલું સમજીને શુદ્ધ મધ ફેંકી દેતા હોય છે. ગુગલ માં સર્ચ કરતાં ધ્યાનમાં આવશે કે વિદેશો માં જે મધ જામી જાય એને ક્રિસ્ટલ હની કે સેટલ્ડ હનીના નામ થી ઊંચા ભાવે લોકો ખરીદતા હોય છે. કેમ કે શુદ્ધ મધમાં રહેલો નેચરલ ગ્લુકોઝ વાતાવરણ ની ઠંડકથી ક્રિસ્ટલ બને છે. થોડીવાર તડકામાં રાખવાથી કે નવશેકા પાણીમાં એક વાસણમાં મૂકી રાખવાથી મધ ફરી લિક્વિડ સ્વરૂપમાં આવી જાય છે.

શુદ્ધ મધ પોતે જ પ્રિઝર્વેટિવ ગુણો ધરાવે છે એટલે મધને ક્યારેય ફ્રીઝમાં રાખવાની જરૂર નથી. કુદરતી વાતાવરણમાં મધ જેમ જૂનું થાય એમ સ્વાસ્થ્યપ્રદ બનતું જાય છે. સરકારી નિયમ મુજબ રો મધની બોટલ પર એક્સપાયરી ડેટ મારવી જરૂરી રહે છે. પરંતુ નોનપ્રોસેસ્ડ મધની કોઈ એક્ષ્પાયરી નથી. ઓછું ખાવ પણ શુદ્ધ સાત્વિક અને ગુણકારી મધ ખાવાનો આગ્રહ રાખો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *